Thursday, August 14, 2025

Market Overview - Nirav Joshi | Kutch Capital Research

 

નિરવ જોષી
KUTCH CAPITAL RESEARCH
SEBI Registered Research Analyst - INH000021924
મો. 9429039771
Email - kutchcapitalresearch@gmail.com

📌 Market Overview (11 ઓગસ્ટ – 14 ઓગસ્ટ, 2025):

  • છ અઠવાડિયા સુધી ચાલેલા ઘટાડા પછી, આ ટૂંકા અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં થોડો સુધારો જોવા મળ્યો. IT અને ફાર્મા સેક્ટરના મજબૂત પ્રદર્શનથી ઇન્ડેક્સમાં આશરે 1%નો વધારો નોંધાયો. ગુરુવારે BSE સેન્સેક્સ 80,597.66 અને નિફ્ટી 24,631.30 પર બંધ રહ્યા. શુક્રવારે સ્વાતંત્ર્ય દિવસની રજા હોવાથી માત્ર ચાર ટ્રેડિંગ દિવસો રહ્યા. અઠવાડિયાની શરૂઆત મજબૂત ઉછાળા સાથે થઈ અને અંતે હળવા વધારા સાથે બજાર બંધ રહ્યું.
  • સેક્ટરોમાં IT અને ફાર્મા આગેવાનીમાં રહ્યા, જ્યારે મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી દબાણમાં રહ્યા. મિડકૅપ અને સ્મોલકૅપ ઇન્ડેક્સ મુખ્ય સૂચકાંકો કરતાં નબળા રહ્યા, જેના કારણે નાના રોકાણકારો પર અસર પડી. વિદેશી રોકાણકારો (FII) તરફથી સપ્તાહ દરમિયાન કુલ ₹10000 કરોડની નેટ વેચવાલી નોંધાઈ, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) તરફથી કુલ ₹19000 કરોડની નેટ ખરીદી થઈ, જેના કારણે બજારને થોડી સ્થિરતા મળી.
  • ચલણ બજારમાં, રૂપિયો 87.6–87.7/USDની આસપાસ સ્થિર રહ્યો, જેમાં RBIના સહકાર અને ઓછી વોલાટિલિટીએ મદદ કરી. S&P Globalએ ભારતનું સોવરીન રેટિંગ ‘BBB-’ થી વધારીને ‘BBB’ કરવાથી બજારમાં સકારાત્મક માહોલ બન્યો. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર 50% ટેરિફ લાદવાની ધમકી અને રશિયા–અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહી.
  • કુલ મળીને, આ અઠવાડિયે લાંબા સમયના ઘટાડા બાદ બજારે થોડો આરામનો સંકેત આપ્યો છે. તેમ છતાં વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા, ચલણનું દબાણ અને FIIની અનિશ્ચિત ચાલને ધ્યાનમાં રાખીને, રોકાણકારોએ સાવધાની રાખવી જરૂરી છે. મોટી અને ગુણવત્તાયુક્ત કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ જાળવવું, મેટલ્સ અને રિયલ્ટી જેવા સેક્ટરોમાં પસંદગીપૂર્વક રોકાણ કરવું અને ટેક્નિકલ કે આર્થિક સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી આક્રમક ટ્રેડિંગથી બચવું જોઈએ.

📌 નિફટી અને બેંકનિફટી :

  • આ ટૂંકા અઠવાડિયામાં બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું, પરંતુ કુલ મળીને બજાર હળવી તેજી તરફ રહ્યું. નિફ્ટીની શરૂઆત 24,371.50 પરથી થઈ હતી અને સપ્તાહના અંતે 24,631.30 પર બંધ રહી, એટલે કે આશરે 268 પોઈન્ટ (+1.10%)નો ઉછાળો નોંધાયો. સપ્તાહની શરૂઆતના બે દિવસોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો, જ્યારે મધ્યમાં થોડી નફાવસૂલાત થઈ, પરંતુ અંતિમ દિવસે ફરી ખરીદીથી સપોર્ટ મળ્યો. બેન્કનિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કરી 55,000 પરથી શરૂઆત કરીને અઠવાડિયાના અંતે 55,341.85 પર બંધ રહ્યો, કુલ મળીને 336 પોઈન્ટ (+0.61%)નો ઉછાળો દર્શાવ્યો.
  • ટેક્નિકલ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, નિફ્ટી માટે 24250-24350નો વિસ્તાર મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે, જ્યાંથી બજારે ઘણી વખત રિકવરી કરી છે. ઉપર તરફ 24700–24750 પ્રથમ રેઝિસ્ટન્સ છે, જ્યારે 24900-25,000નુ સ્તર મહત્વપૂર્ણ બ્રેકઆઉટ ઝોન બની શકે છે. જો આ લેવલ તૂટે તો બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે. બેન્કનિફ્ટી માટે 54900-55000નું સપોર્ટ ઝોન મહત્વનું છે, જ્યારે ઉપર તરફ 55650-55750 રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. આ રેઝિસ્ટન્સ તૂટે તો બેન્કિંગ ઈન્ડેક્સ 55900-56000 સુધી પહોંચી શકે છે.
  • મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પર નજર કરીએ તો, RSI નિફ્ટીમાં મધ્ય-50ના ઝોનમાં છે, જે હળવા બુલિશ મોમેન્ટમનો સંકેત આપે છે. બેન્કનિફ્ટીમાં RSI 55 પર છે, જે પણ ન્યુટ્રલથી થોડી સકારાત્મક સ્થિતિ દર્શાવે છે. જો કે, વોલ્યુમમાં ખાસ વધારો જોવા મળ્યો નથી, એટલે મોટી તેજી માટે મજબૂત બ્રેકઆઉટ લેવલ તૂટવો જરૂરી છે.
  • હાલની પરિસ્થિતિમાં "Buy on Dips, Sell near Resistance" જેવી સ્ટ્રેટેજી ઉપયોગમાં લઈ શકાયછે. જો નિફ્ટી 24,750 ઉપર મજબૂત રીતે બંધ થાય, તો 24850–25000 સુધીનો ઉછાળો શક્ય છે. બેન્કનિફ્ટી માટે પણ 55600 ઉપર ક્લોઝ મળે તો બેન્કિંગ સેક્ટરમાં તેજીનું દ્વાર ખૂલી શકે છે. બીજી તરફ, જો મુખ્ય સપોર્ટ લેવલ તૂટે તો ટૂંકા ગાળે વેચવાલીનું દબાણ વધીને નિફ્ટીને 24350–24300 સુધી અને બેન્કનિફ્ટીને 54800–54600 સુધી ખેંચી શકે છે.

📌 S&Pએ ભારતનું રેટિંગ વધાર્યું – મજબૂત અર્થતંત્ર અને ખર્ચમાં નિયંત્રણને માન્યતા :

  • વિશ્વપ્રસિદ્ધ ક્રેડિટ રેટિંગ એજન્સી S&P Globalએ ભારતના લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગમાં મહત્વપૂર્ણ સુધારો કરીને તેને ‘BBB-’ માંથી વધારીને ‘BBB’ કર્યું છે, અને આઉટલુક “સ્થિર” રાખ્યો છે. આ બદલાવ ભારતના મજબૂત અર્થતંત્ર, સારા વિકાસ દર અને સરકારના ખર્ચમાં નિયંત્રણ (ફિસ્કલ કન્સોલિડેશન)ને માન્યતા આપે છે. અહીં નોંધ લેશો કે 2007 પછી પ્રથમ વખત ભારતને આટલું મોટું રેટિંગ અપગ્રેડ મળ્યું છે.
  • S&Pના જણાવ્યા મુજબ, રિઝર્વ બેંકે મોંઘવારીને કાબૂમાં રાખવામાં સારું કામ કર્યું છે અને સરકારે ખર્ચ-આવકનો તફાવત ઓછો કરવા સતત પગલાં લીધાં છે. વધુમાં, ભારતની આવકમાં વૃદ્ધિ, કરસંગ્રહમાં સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચના સંયમિત આયોજનને પણ સકારાત્મક પરિબળ તરીકે ગણાવવામાં આવ્યા છે.
  • આ સાથે જ S&Pએ ભારતનું ટ્રાન્સફર અને કન્વર્ટિબિલિટી રેટિંગ પણ ‘A-’ સુધી વધાર્યું છે, જેનો અર્થ છે કે ભારતની નાણાકીય સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ સમાચાર આવ્યા બાદ રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો અને સરકારી બોન્ડની યિલ્ડ ઘટી ગઈ, જે બજાર માટે સકારાત્મક સંકેત છે.
  • વિશ્લેષકોનું માનવું છે કે આ અપગ્રેડથી વિદેશી રોકાણકારોનો ભારત પર વિશ્વાસ વધશે, જેનાથી લાંબા ગાળાના રોકાણમાં વધારો શક્ય છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને નવીન ઉદ્યોગોમાં નવા પ્રોજેક્ટ્સને ગતિ મળશે. ઘરેલું માંગ મજબૂત રહેવાને કારણે અને સ્થિર આર્થિક નીતિઓના કારણે ભારત વૈશ્વિક પડકારોને સારી રીતે સામનો કરી શકશે.
  • ગયા વર્ષે S&Pએ ભારત માટે આઉટલુક “પોઝિટિવ” કર્યું હતું અને હવે રેટિંગ વધારવાથી એ સાબિત થાય છે કે સરકારની નીતિઓ તથા આર્થિક શિસ્તે સારા પરિણામ આપ્યા છે. નિષ્ણાતો માને છે કે આ પગલું ભારતને વૈશ્વિક નાણાકીય નકશામાં વધુ મજબૂત સ્થાન અપાવશે અને આવનારા વર્ષોમાં વિકાસના નવા માર્ગ ખોલશે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

No comments:

Post a Comment